Saturday, May 19, 2018

Tujhse Mann Nahi Hai Bharta


અંદાજે ૧૯૯૫ ની સાલ પહેલાં ઉનાળો એટલે;




સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો, "ચાલો ચાલો જલ્દી...આ કેરીઓ ધોળીને મૂકી છે. ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને પછી ન્હાઈને રમવા જાવ."



અને નાના ટેણીયાઓ માત્ર ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા..થાળી અને મન ભરીને કેરીઓ ચુસાતી. માત્ર જીભ જ નહીં, આખું શરીર કેરીમય બની જતું. અને એ મેંગો સ્પાથી રિલેક્સ થઈ પછી મસ્ત ઠંડા પાણીની પાઇપ માંથી શરૂ થતી આનંદની છોળો..મામા-ફોઈના છોકરાઓની ધમાલ છેક ચાર ઘેર સંભળાતી. જો કે કોઈ ને એમાં નવાઈ ના લાગતી..કેમ કે બધા ઘરે આવું જ વાતાવરણ હોતું.



કંઈક કેટલીય રમતો રમી, લડી-ઝગડીને અને પાછા બુચ્ચા કરીને જમવાના ટાઈમે બધા ભેગા થઈ જતાં. મમ્મી / મામીને રોટલી બનાવતા જોઈ નવાઈ લાગતી.."આ થાકતા નહીં હોય" પણ એ ક્ષણિક જ ..કેમ કે રસ-રોટલી ખાવામાં હરીફાઈ જામતી અને પેલી રોટલીનો ઢગલો બનતો જ જતો. (હવે તો મામી,માસી કે ફોઇઓ ઘરમા મહેમાન, બાળકો જોઇને ગભરાઇ જાય...બાળકો રોકાશે ને મારે વધારે કામ, વધારે રસોઇ કેટલા દિવસ કરવી..મારાથી નઇ થાય...એટલે હવે આવુ ભેગાથવાનુ આપણા બાળકોના નસીબમા નહી આવે)





ચાલો પાછી આપણી વાત...

બપોરે મોટાઓ ની આંખ મીંચાઈ નથી કે ઘરની બહાર...અને આખું ફળીયું માથે લેવાતું. મોટા ઓટલે સાડીઓ બાંધી ઘર બનાવતા ને એમાં રમાતું ઘર-ગત્તા. માત્ર ચા-દૂધ પીવા જ ઘરે જવાનું..સાંજે પાછા પેલું પાઇપથી સ્નાન કરી રમવા, માત્ર જમવા જ ઘરે જવાનું અને રાત્રે પાછા રમવા! વળી ક્યારેક રાત્રે ભાડાની સાઇકલ લાવ્યા હોય તો એ વસુલ કરવા છેક અગિયાર વાગ્યા સુધી ચલાવવાની અને સવારે ય વહેલા ઉઠીને ચલાવી લેવાની.



એ બે રૂપિયામાં જાણે ઢગલો આનંદ લૂંટી લેતા. ધાબે નાંખયેલી ઠંડી પથારીમાં મોંઘીદાટ ડનલોપ મેટ્રસ કરતા ય વધારે મઝા આવતી ને એક જ ઉંઘમાં સીધી સવાર પડતી.





કોઈ જ કલાસીસ નહીં, કોઈ સમરકેમ્પ નહીં...ના કોઈ વિડિઓ ગેમ કે નહીં કોઈ જ પાબંદી.



ડાન્સ અમેય કરતાં જ...પણ મિત્રો સાથે, જ્યારે આપણી ટીમ જીતી જાય ત્યારે કોઈ કલાસ વાળા ના શીખવાડી શકે એવો ડાન્સ થતો.



આર્ટ/ક્રાફ્ટ અમેય શીખતાં પણ જૂની નોટોના કાગળિયા ફાડીને કૈક કેટલુંય બનાવતા.



ક્રિકેટ ના કોચિંગ નહોતા..પણ મમ્મીના કપડાં ધોવાય ત્યાં સુધી રાહ જોઈ પછી એ ધોકો અમારું બેટ બની જતું.



મેનર્સના કોઈ કલાસ નહોતાં પણ વહેંચીને ખાવું, હળી મળી ને રમવું, ઘરડાની સેવા કરવી, સામે નહીં બોલવું...આ બધું વગર શિખવ્યે ય ઘરના સંસ્કાર થકી વર્તનમાં વણાઈ જતું.



વખત વખતની વાત છે ...પણ દુઃખ થાય છે એ બાળપણ ગુમાવ્યાનું અને અત્યારનું બાળપણ જોયાનું.



બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં! મેચ્યોરિટી શબ્દએ તો દાટ વાળ્યો છે. મુકો યાર આ મેચ્યોરિટીને માળિયે..લૂંટવા દો બચ્ચાઓને એમની જિંદગીની ખરી મઝા..ને સાચું કહું;



બને તો બની જાઓ તમેય નાના બાળક, રમી જુઓ એમની જોડે એકાદ રમત..પછી જુઓ એ જમાનો પાછો આવે છે કે નહીં! અરે..બાપની બાય ઝાલીને આવશે, જશે ક્યાં!





| Source | Google Search |

| Credit | Unknown |

No comments:

Post a Comment